સુરત,તા.૨૦
સુરતમાં પોલીસ દ્વારા સીમાડા ચેકપોસ્ટ પર ફોર વ્હીલ ગાડીમાંથી આશરે ૮.૬ કરોડના કાચા સોનાના જથ્થા સાથે બે શખસોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સંદર્ભે સૂચક બાતમીના આધારે પોલીસ પેટ્રોલિંગ ટીમે આ સફળતા મેળવી છે. આરોપીઓએ કાચા સોનાના નાના-મોટા ટૂકડા અને બિસ્કિટને કપડાંની અંદર છુપાવ્યા હતા. તેઓ પાસેથી સોનાનો કોઈ પ્રામાણિક દસ્તાવેજ મળી ન આવતા પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત સીમાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલી પોલીસ ટીમને તેમના વિશ્વાસુ બાતમીદારો મારફતે જાણ થઈ હતી કે, એક સફેદ મારૂતિ સેલેરીયો ફોર વ્હીલ ગાડીમાં બે શખસો સોનાનો મોટો જથ્થો સંતાડી સીમાડા ચેકપોસ્ટ તરફ આવી રહ્યા છે. બાતમી મળતાં પોલીસે તુરંત કાફલો તૈયાર કર્યો અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે વોચમાં ઊભા રહી શંકાસ્પદ ગાડીની રાહ જાેવી શરૂ કરી.
પોલીસે શંકાસ્પદ ગાડીને જાેઈ તેને તાત્કાલિક રોકી ડ્રાઈવર અને બાજુની સીટ પર બેસેલા શખસોને નીચે ઉતાર્યા. તેની વારાફરતી પૂછપરછમાં શખસોએ પોતાનાં નામ હિરેન ભરતભાઈ ભટ્ટી (ઉમ્ર ૩૧) અને મગન ધનજીભાઈ ધામેલીયા (ઉં. ૬૫) તરીકે આપ્યા. જ્યારે તેમની તપાસ કરી તો બંને શખસોની શર્ટ અને પેન્ટના ઈન્શર્ટમાં કાચા સોનાના અલગ-અલગ પેકેટ છુપાવેલા મળ્યા.
પોલીસે બંને શખસો પાસેથી કુલ ૧૫.૪૦૯ કિલોગ્રામ કાચા સોનાના નાના-મોટા ટુકડા તથા બિસ્કિટ કબ્જે કર્યા. કાચા સોનાના કુલ ૮ અલગ-અલગ પેકેટ હતા, જેની કિંમત રૂ. ૮,૫૭,૯૬,૨૮૨/- હતી. આ સાથે જ બંને શખસો પાસેથી બે મોબાઇલ ફોન (કિંમત રૂ. ૧૩,૦૦૦/-) અને મારૂતિ સેલેરીયો ફોર વ્હીલ ગાડી (કિંમત રૂ. ૨,૫૦,૦૦૦/-) પણ કબ્જે કરાઈ. પોલીસે બંને આરોપીઓ પાસેથી કાચા સોનાના માલિકીની પુષ્ટિ માટે દસ્તાવેજાે રજૂ કરવા કહ્યું પરંતુ, તેઓએ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં. દસ્તાવેજાેની ગેરહાજરીમાં સોનાને કાયદેસરની કાર્યવાહી માટે કબ્જે કરાયું છે. પોલીસે ઘટનાસ્થળે બે સ્વતંત્ર પંચોને બોલાવી સમગ્ર કાર્યવાહી પંચોની હાજરીમાં પૂર્ણ કરી. કબજામાં લેવાયેલ સોનાની યોગ્ય રીતે માપણી અને તપાસ માટે સોની વેપારી પવનકુમાર ગૌરીશંકર સોનીને પણ બોલાવવામાં આવ્યા, જેમણે સાધનોના મદદથી સોનાનો જથ્થો, વજન અને ગુણવત્તાની પુષ્ટિ કરી.