સુરત, તા.૧૭
સુરત ટ્રાફિક પોલીસ સામ-દામ-દંડ આ ત્રણેય સૂત્રો સાથે શહેરના લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે સમજાવી રહી છે. હવે સુરતના લોકો સરળતાથી ટ્રાફિક નિયમો સમજી શકે અને અકસ્માત સહિતના અન્ય બનાવો નહિવત થાય, તે માટે એક નવો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. આ વખતે સુરત ટ્રાફિકના જવાનો સાથે ટીઆરબીના જવાનો સુરતના રસ્તાઓ અને ટ્રાફિક જંક્શન પર લોકોને સમજાવવા માટે ગીત અને ફિલ્મી ડાયલોગની ડિલિવરી કરશે. એટલું જ નહીં, ડાન્સના માધ્યમથી પણ કઈ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરી શકાય તે સમજાવશે. આગામી ૨૬ જાન્યુઆરીથી ૧૫ લોકોની ખાસ ટીમ રસ્તા પર ઊતરશે અને લોકોને ટ્રાફિક નિયમોથી અવેર કરશે.
‘હમારે જવાન, સુરત કે ચોરાહે પર તુમ પર નજર બનાયે હુએ હૈ, ટ્રાફિક સિગ્નલ તોડને કી ભૂલ ન કરના…. વરના હમારે જવાન તુમ્હારી એ ખૂબસૂરત સી તસવીર ખીંચ લેંગે..’, ‘જબ તુમ્હારે ઘર પર ચલાન આયેગા, તુમ્હારી ખૂબસૂરત સી તસવીર દેખ કર ડર જાઓગે, કી હમને યે ભૂલ કહા કી…સમજે… સુરત ટ્રાફિક નિયમો કા પાલન કરે…જાે કરેગા ટ્રાફિક નિયમો કા પાલન, ઉસે નહીં આયેગા ચલાન…’
સુરત શહેરમાં આવનારા દિવસોમાં લોકોને ટ્રાફિક જંક્શન પર ટીઆરબી જવાનો ડાન્સ કરતા નજરે પડશે. એટલું જ નહીં, ફિલ્મી ડાયલોગ પણ તેઓ બોલશે અને આ બધું આયોજન ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવ્યું છે, જેથી લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે. ડાન્સ, ડાયલોગ ડિલિવરી તેમજ ડ્રામા થકી સુરતના લોકોને સુરત ટ્રાફિક શાખા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરશે. આ મામલે ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમો માટે જાગૃતિ આવે તે માટે હંમેશાં રસપ્રદ માર્ગો અને નવતર પ્રયોગો સુરત ટ્રાફિક શાખા દ્વારા હાથ ધરવામાં આવે છે. જેના અનુસંધાને ટ્રાફિક શાખાના માનદ સેવકો દ્વારા ટ્રાફિકના વિષયને લોકો સુધી પહોંચાડવા માટે અલગ-અલગ પ્રકારના ડ્રામા, સ્ટ્રીટ ડાન્સ અને ડાયલોગ ડિલિવરી સાથે મ્યુઝિકની એક ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. આ ટીમ ટ્રાફિકના નિયમોને આવરી લેતી રસપ્રદ રીતે વિષયોને લોકો સામે રજૂ કરશે. તેઓ ફિલ્મના ફેમસ ડાયલોગ ટ્રાફિક નિયમો સાથે જાેડીને ડાન્સ અને ડાયલોગ ડિલિવરી કરશે અને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અપીલ કરશે.
સાથે તેઓએ જણાવ્યું હતું કે અલગ-અલગ ડ્રામાની ભજવણી જાહેર જગ્યાઓ અને જંક્શન પર કરવામાં આવશે. આ માટે એનજીઓના સહયોગ પણ લેવામાં આવી રહ્યા છે. આ તમામ પ્રવૃત્તિઓ ટ્રાફિકના રેડ સિગ્નલ સમયે કરવામાં આવશે. આ માટે એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં લગભગ ૫૦થી ૬૦ સેકન્ડની અંદર ડાયલોગ ડિલિવરી, ડ્રામા અને ડાન્સની રજૂઆત થશે, જેથી ટ્રાફિક અવરોધ ન સર્જાય. સાથે સાઈડના જંક્શન્સ પર પણ આ પ્રવૃત્તિઓ કરવામાં આવશે, જેથી જાગૃતિ સાથે ત્યાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય.