સુરત, તા.૨૦
ઉધના રેલવે સ્ટેશન પર હોલ્ડિંગ એરિયાની વ્યવસ્થા લોકો માટે ફકત શોભાના ગાંઠિયાં સમાન સાબિત થઈ રહી છે. રેલવે તંત્ર દ્વારા હોલ્ડિંગ એરિયા ઊભો કરવાની જાહેરાત બાદ પણ અહીં સુવિધાઓમાં કોઈ મોટું સુધારણું જાેવા મળતું નથી. હોલ્ડિંગ એરિયામાં કોન્ટ્રાકટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે અને લોકો પોતપોતાના વાહનો અહીં જ પાર્ક કરી દે છે, જેના કારણે મુસાફરોને હોલ્ડિંગ કરવું મુશ્કેલ બની રહ્યું છે. રેલવે તંત્રએ હોલ્ડિંગ એરિયાને મુસાફરો માટે આરામદાયક જગ્યા બનાવવા ઉદ્દેશ રાખ્યો હતો, પરંતુ હાલની સ્થિતિ તેની વિપરીત છે.
ઉધના રેલવે સ્ટેશન પર પાર્કિંગ સમસ્યા એટલા માટે વધુ ગંભીર બની છે કારણ કે, સુરત રલવે સ્ટેશનની રીડેવલપમેન્ટ કામગીરીને કારણે અહીં ૨૦૦ જેટલી ટ્રેનોની અવરજવર શિફ્ટ કરવામાં આવી છે. આ કારણે હજારો લોકો રોજ ઉધના સ્ટેશન પર પહોંચે છે. મુસાફરો માટે વધુ સુવિધાઓને પાયો મજબૂત કરવાના દાવા વચ્ચે પાર્કિંગ જેવી સામાન્ય વાત પણ મહત્વની મુશ્કેલી ઉભી કરી છે. મહત્વની વાત એ છે કે, ઉધના સ્ટેશન ખાતે બપોર પછી એટલે કે ૩ વાગ્યાના પછી સૌથી વધુ ટ્રેનો આવતી હોય છે. તે પહેલાં જ પાર્કિંગ ફૂલ થઇ જતાં લોકો અટવાઈ રહ્યા છે. જેથી ઉધના પર પાર્કિગ વ્યવસ્થા બોજારૂપી સમસ્યા થઈ રહી છે.
પાર્કિંગની સમસ્યાને કારણે લોકો પોતાની ગાડીઓ હોલ્ડિંગ એરિયામાં પાર્ક કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે હોલ્ડિંગ માટે જગ્યા ઓછી પડી રહી છે અને લોકોને ગંદકીમાં બેસવું ઉઠવું પડે છે. રેલવે તંત્ર દ્વારા માત્ર નામ પૂરતું હોલ્ડિંગ એરિયા બનાવ્યો હોય એમ ફક્ત ત્રણેક બેંચ મૂકી દેવામાં આવી છે, જે કોઈ વ્યવસ્થિત યોજના વિના રાખવામાં આવી હોવાનું સ્પષ્ટ થાય છે. આ બેન્ચો પર મુસાફરો માટે આરામ કરવાનું પણ મુશ્કેલ બને છે.
સુરત ઉધના રેલવે સ્ટેશનની બહાર પણ ખૂબ જ મુશ્કેલી આવતી હતી, જેને લઈને જાહેર કરી દેવામાં આવ્યો છે અને રિક્ષાના સ્ટેન્ડને પણ હટાવી દેવામાં આવ્યું છે. જાેકે આ તમામ વચ્ચે રિક્ષાઓના ભાડા વધી ગયા છે અને સિટી બસની વધુ સેવાઓ ઉપલબ્ધ નથી. જેના કારણે મુસાફરોને ઉધના રેલવે સ્ટેશન પહોંચવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ ઉધના રેલવે સ્ટેશનનો એક જ ગેટ હોવાથી પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉધના રેલવે સ્ટેશન પર દિવ્યાંગો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે. જાેકે દિવ્યાંગો માટે રાખવામાં આવેલી વ્હીલચેર પૈકીની મોટાભાગની તૂટેલી છે. જ્યારે લિફ્ટ પણ મોટાભાગે બંધ હોવાથી તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવ્યાંગો મુશ્કેલીમાં હોવાથી તેમના પરિવારજનોમાં પણ રોષ જાેવા મળી રહ્યો છે. આ સાથે જ પ્લેટફોર્મ નંબર છ પર કોચની લાઈટો પણ મૂકવામાં આવેલી નથી અને કોઈ રેમ્પ પણ બનાવવામાં આવેલો નથી જેના કારણે લોકોને ટ્રેનમાં ચડવામાં પણ મુશ્કેલી થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત રેલવે સ્ટેશન ખાતે ના પ્લેટફોર્મ નંબર ૨ અને ૩ બંધ કરીને ૨૦૦થી વધુ ટ્રેનને ઉધના રેલવે સ્ટેશન ખાતે શિફ્ટ કરવામાં આવી છે. આ ર્નિણય કરવામાં આવ્યો ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવશે, તેવું પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જાેકે બાર દિવસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.