સુરત, તા.૦૩
સુરતના લિંબાયત વિસ્તારમાં ડુંભાલ ફાયર સ્ટેશન પાસે એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ સનસનીખેજ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ હત્યામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મૃતક આલોક અગ્રવાલ બ્રોકરનો વ્યવસાય કર્યો હતો. અજાણ્યા શખ્સોએ તેને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પૂરાવાઓના આધારે દીપક સરજુસિંગ અને ભગવાન સવાઈ નામના બે આરોપીઓને ઝડપી પડ્યા છે. આ ઉપરાંત, આ ઘટનામાં સંડોવાયેલા અફશાખ અને અભ્રા નામના બે અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રકશન કરવામાં આવી રહ્યું હતું ત્યારે રાજસ્થાન સમાજના લોકો મોટી સંખ્યામાં ત્યાં એકઠા થયા હતા. તેમણે આરોપીઓ સામે ભારે રોષ ઠાલવ્યો હતો અને સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ દરમિયાન, કેટલાક લોકોએ આરોપીઓને દંડા વડે માર મારવાનો પ્રયાસ પણ કર્યો હતો જેના કારણે થોડા સમય માટે પરીસ્થિતિ તનાવપૂર્ણ બની હતી. પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવીને રિકન્સ્ટ્રકશન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
