નર્મદા, 05
નર્મદાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો અંત આવતો દેખાઈ નથી રહ્યો, ‘લાફાકાંડ’ મામલે હજુ પણ જેલમાંથી મુક્તિ મળી નથી. છેલ્લા એક મહિનાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ વસાવાની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં આજે, 5મી ઑગસ્ટના રોજ સુનાવણી થવાની હતી, પરંતુ કોર્ટના નિર્ધારિત સમય સુધી અરજી બોર્ડ પર ન આવતા સુનાવણી થઈ શકી નહોતી. હવે આ કેસમાં આગામી 13મી ઑગસ્ટના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે, જેના કારણે વસાવાનો જેલવાસ વધુ લંબાયો છે.
આ ઘટના 5 જુલાઈ, 2025ના રોજ ‘આપણા તાલુકો વાઇબ્રન્ટ તાલુકો’ (ATVT) સંકલન સમિતિની બેઠક દરમિયાન બની હતી. ફરિયાદી સંજય વસાવાની ફરિયાદ મુજબ, ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સમર્થિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી દરમિયાન ચૈતર વસાવાએ સંજય વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકીને તેમને “હત્યા કરી નાખીશ” તેવી ધમકી આપી હતી. આ ઘટના બાદ પોલીસ દ્વારા વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1) (હત્યાનો પ્રયાસ) સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસમાં રાજપીપળા કોર્ટે પોલીસના રિમાન્ડની માંગણી નામંજૂર કરી હતી, પરંતુ ચૈતર વસાવાની જામીન અરજી પણ નામંજૂર કરી દેવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે વસાવા સામે અગાઉ ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ નિર્ણય બાદ વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ સેશન્સ કોર્ટે પણ તેમની જામીન અરજી નામંજૂર કરતા તેમણે જામીન માટે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટમાં પણ જામીન અરજીની સુનામણી ન થઈ હતી અને કોર્ટે જામીન અરજી પર તાત્કાલિક ચુકાદો ના આપી આજની ( 5 ઓગસ્ટ) ની સુનાવણી મુદ્દત આપી હતી ત્યાર બાદ આજે ( 5 ઓગસ્ટે) પણ ચૈત્ર વસાવાની રાહત મળી નથી કારણ કે, ગુજરાત હાઇકોર્ટમાં પણ જામીન અરજી કોર્ટના નિર્ધારિત સમય દરમિયાન બોર્ડ ઉપર ન આવતા સુનાવણી થઈ ન હતી અને હવે આ મામલે 13 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરાશે. ત્યારે હવે 13 મી ઑગસ્ટના રોજ હાઈકોર્ટ ચૈતર વસાવાને જામીન આપે છે કે જેલ , તે જોવું રહ્યું