(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૫
આજે જ્યારે આખો દેશ શિક્ષક દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે ગુજરાતની શાળાઓમાં ૨૫ હજાર જેટલા શિક્ષકોની ઘટ છે. રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં હાલ ૨૫ હજાર શિક્ષકોની ખોટ વર્તાઇ રહી છે. એટલે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થાય છે, પરંતુ રાજ્યની શાળાઓમાં ભણાવવા માટે પૂરતા શિક્ષકો જ નથી
રાજ્યમાં ૩૩,૩૩૯ સરકારી શાળાઓ આવેલી છે. જેમાં ધોરણ ૧ થી ૮ માં હાલ ૫૦,૫૭,૪૭૭ વિદ્યાર્થીઓ, ધોરણ ૯ થી ૧૨ માં ૧,૮૫,૦૯૦ વિદ્યાર્થીઓ મળીને રાજ્યની સરકારી શાળાઓમાં ૫૨,૪૨,૫૬૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.સરકારે પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ૧.૯૧ લાખનું મહેકમ ફાળવવામાં આવ્યુ છે. પરંતુ તેની સામે હાલ ૧.૭૩ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે.
સરકાર દ્વારા પણ વિવિધ કામગીરીઓનો બોજાે સરકારી શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષકો પર નાખી દેવામાં આવે છે. ભાર નીચે દબાઈ જતા શિક્ષકોની હાલત કથળી છે. અમુક શાળાઓમાં તો ગણિતના શિક્ષક વિજ્ઞાન – સામાજિક વિજ્ઞાન ભણાવે છે.
સરકારે કબૂલ્યું છે કે વિકસિત વાયબ્રન્ટ ગુજરાતમાં ૧૬૦૬ પ્રાથમિક શાળા છે, જેમાં માત્ર એક જ શિક્ષક છે. વિકસિત ગુજરાતમાં ધો.૧થી ધો.૮ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે શાળામાં ૧ શિક્ષક હોય તો તો બાળકોને મળતા શિક્ષણનું સ્તર કેવું હશે તેની કલ્પના કરી શકાય છે. અમદાવાદમાં પણ ૧૭, ભરૂચમાં ૧૦૨, બોટાદમાં ૨૯, છોટાઉદેપુરમાં ૨૮૩, દાહોદમાં ૨૦, ડાંગમાં ૧૦ અને ગાંધીનગર ૮ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. ત્યારે ૫.૩ ટકા શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સ્વીકાર કર્યો છે.
રાજ્યની ઘણી એવી શાળાઓ છે જેમાં એક વર્ગમાં એક સાથે બે વિષયો પર વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે, શિક્ષકોની ઘટના કારણે એક શિક્ષકને વધારાના વિષય ભણાવવા પડી રહ્યા છે. ત્યારે આવી સમસ્યાના કારણે વિદ્યાર્થીઓ પણ સરખી રીતે અભ્યાસ કરી શકતા નથી. શિક્ષકોની ઘટ સાથે શાળાઓમાં જર્જરિત વર્ગખંડ, વ્યવસ્થાના અભાવના કારણે વિદ્યાર્થીઓની સ્થિતિ ગંભીર બની છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું કહેવું છે કે,’લાંબા સમયથી સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. ભાજપ સરકારનું મોડેલ છે શિક્ષક વિનાની શાળા, શાળા વિનાનું ગામ. હાલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ૪૦ હજાર કરતા વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે જેના કારણે શૈક્ષણિક વ્યવસ્થાઓ પર અસર પડી રહી છે. સરકાર દ્વારા પણ ભણતર સિવાયની ઘણી કામગીરીઓ શિક્ષકોને આપવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ પર ધ્યાન આપી શકાતું નથી.’