(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૪
ગાંધી જયંતિના દિવસે જ છોટાઉદેપુરના તુરખેડા ગામે એક મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી. જોકે, ત્યાં રસ્તાના અભાવે પહેલાં પાંચ કિમી સુધી ઝોળીમાં નાંખીને ગ્રામજનો લઈ ગયાં અને ત્યાંથી ૧૦૮ આવવાની હતી. આ ૧૦૮ દ્વારા સગર્ભાને ૨૫ કિમી દૂર રાજકોટની હોસ્પિટલમાં લઈ જઈ જવાની હતી. જોકે, ૧૦૮ સગર્ભાને લઈને રાજકોટની પદ્મકુંવરબા સરકારી હોસ્પિટલ તો પહોંચી, પરંતુ આ દરમિયાન ગુજરાતની સરકારી હોસ્પિટલમાં તુમારશાહીનો વરવો નમુનો રાજકોટમાં જોવા મળ્યો.
સમગ્ર સમાચાર સામે આવતાં, આ ઘટનાને ગંભીરતાથી લઈ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી વખતે હાઈકોર્ટે કહ્યું કે,આ પ્રકારના બનાવથી અમારૂ માથું શરમથી ઝૂકી ગયું છે. ગુરૂવારે (૩ ઓક્ટોબર) હાઈકોર્ટમાં જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટીસ નીશા ઠાકોરની બેન્ચ દ્વારા બીજી ઓક્ટોબરે બનેલી આ ઘટનાની સુનાવણી હતી
સુનાવણી દરમિયાન જસ્ટિસ બીરેન વૈષ્ણવે કોર્ટમાં કહ્યું કે અમારા માથા આ સમાચારથી શરમથી ઝૂકી ગયાં છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, આપણે વિકાસની વાતો કરીએ છીએ, પરંતુ સરકાર આવી જગ્યાએ રોડ બનાવી નથી શકતી. આપણે જમ્મુ-કાશ્મીરમાં ટનલ બનાવી શકીએ પણ ગામડાને ૫ વર્ષથી રોડ નથી આપી શકતાં.