સુરત, તા.૨૨
હવાલા કૌભાંડની તપાસમાં સુરત એસઓજીને વિદેશથી દાણચોરી અને આઈફોન મોબાઈલ ફોન ચોરી છુપીથી ભારતમાં લાવવાનો પર્દાફાશ થતાં ચોકબજાર,ભાગાતળાવ અને રાણીતળાવ સહિતના મોબાઈલના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. દુબઈ સહિતના દેશોમાં અવાર-નવાર ટ્રીપ લગાવીને એપ્પલ કંપનીના આઈફોન મોબાઈલ ભારતમાં ચોરી છુપીથી લાવતા વેપારીઓ સુધી પણ સુરત એસઓજીની આ તપાસનો રેલો પહોંચશે. આ દિશામાં રિમાન્ડ હેઠળ રહેલા ઉહેદ મીંડીની પોલીસ તપાસ પણ કરી રહી છે. જેમાં બેનંબરીમાં મોબાઈલનો વેપાર કરતા મોટા માથાઓ એસ ઓ જીની રડાર પર છે. આ ઉપરાંત ઉહેદ મીંડીના પરિવારના બેંક એકાઉન્ટમાં હવાલા કૌભાંડના નાણાં હોવાની શક્યતા સાથે તમામના બેક એકાઉન્ટ સહિતની તપાસ પણ કરવામાં આવી છે.
સુરત એસઓજીની તપાસ દરમિયાન નાનપુરા ખંડેરાવપુરા નવાબી મસ્જીદ પાસે રહેતા ઉહેદ આરીફ ઉર્ફે મીંડી શેખ(ઉ.વ.૩૦)એ પોતે દુબઈ ખાતેથી ૧૨૮૦ ગ્રામથી વધુની સોનાની દાણચોરી કરી હતી અને એપલ કંપનીના આઈફોન મોબાઈલ ફોન ચોરી છુપેથી ભારત ખાતે લઈ આવ્યો હતો. ત્યારબાદ સોનુ તેમજ મોબાઈલ ફોન તેના મળતીયાઓને વેચાણ કરતો હતો અને તેના નાણા-નાણા મકબુલ ડોક્ટરને આપતો હતો. ઉહેદ મીંડીએ દાણચોરી કરીને લાવેલુ સોનુ જે વેપારીઓને વેચ્યુ હતુ અને આઈફોન મોબાઈલ ફોન પણ જે વેપારીઓને વેચ્યા હતા તેવા સંડોવાયેલા વેપારીઓની તપાસ માટે સુરત એસઓજીએ આરોપી ઉહેદ મીંડીના રિમાન્ડની માગણી કરી હતી. મુખ્ય આરોપી મકબુલે ઉહેદ મીંડીને કેટલી વખત વિદેશ મોબાઈલ અને સોનુ ખરીદવા માટે તેને મોકલ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને એસઓજી પોલીસે આરોપીઓ સોનાની દાણચોરી કરીને ક્યાં ગોલ્ડના વેપારીઓને સોનુ પુરપાડ્તા હતા તે દિશામાં તપાસ તેજ કરી છે.
ઉહેદ મીંડીના પરિવારના બેંક એકાઉન્ટમાં ફ્રોડના નાણા હોવાની શક્યતા સાથે તમામના બેક એકાઉન્ટ સહિતની તપાસ પણ કરવામાં આવશે. વધુમાં ઉહેદ મીંડીના પરિવારની દાણ ચોરી અને મોબાઈલ ફોન વિદેશથી લાવવાના કૌભાંડમાં સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.