સુરત, તા.૨૨
GPSC પરીક્ષામાં ૧૦૦ પરીક્ષાર્થી ગૂગલ મેપ દ્વારા બતાવવામાં આવેલા ડાયરેશનના કારણે ખોટા સ્થળે પહોંચ્યા હતા. જે અંગેને જાણ થતા રાંદેર પોલીસ સંકટ મોચન બનીને મદદ પહોંચી ગઈ હતી. જેમાં તમામ પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યા હતા. સુરત શહેરમાં GPSCની પરીક્ષા માટે ઉમેદવારો અવ્યવસ્થાનો સામનો કર્યો હતો. ગૂગલ મેપ પર સંપૂર્ણ આધાર રાખતા ૧૦૦ જેટલા પરીક્ષાર્થીઓ પોતાના સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાને બદલે ખોટા સ્થળે પહોંચ્યા હતા. આ પરીક્ષાર્થીમાંથી ઘણા વલસાડ, નવસારી અને તાપી જેવા દૂરનાં વિસ્તારોમાંથી આવ્યા હતા. જાે કે, રાંદેર પોલીસના સમયસરના હસ્તક્ષેપ અને મદદથી પરીક્ષા સમય પહેલાં જ તમામ પરીક્ષાર્થીઓને તેમના નિર્ધારિત કેન્દ્ર પર પહોંચાડી દેવાયા હતા.
પરીક્ષાર્થીએ તેમના પરીક્ષા કેન્દ્ર માટે ગૂગલ મેપનો સહારો લીધો હતો. જાે કે, ‘M.A. Girls School’ના બદલે ઘણી વખત ગૂગલ મેપએ તેમને‘M.M.P. School, Rander’પર લઈ જવાનું માર્ગદર્શન આપ્યું. આ કારણે તેઓ લગભગ અઢી કિલોમીટર દૂર ખોટા સ્થળે પહોંચી ગયા. પરિણામે અનેક પરીક્ષાર્થીઓ સમયસર તેમના કેન્દ્ર પર પહોંચવા માટે પડકાર અનુભવી રહ્યા હતા.
પરીક્ષાર્થીઓની મુશ્કેલીની જાણ થતા રાંદેર પોલીસ તરત જ હરકતમાં આવી. પોલીસની PCR વેન અને રિક્ષાઓની મદદથી ખોટા સ્થળે અટવાયેલા તમામ ઉમેદવારોને ઝડપથી સાચા પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવ્યા. આ કામગીરી માત્ર આ સમયમાં જ નહીં પણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી, જેમાં તમામ પરીક્ષાર્થીઓએ પોતાની પરીક્ષા સમયસર શરૂ કરી હતી. સમયસર કેન્દ્ર પર પહોંચતા પરીક્ષાર્થીઓએ હાશકારો અનુભવ્યો અને રાંદેર પોલીસના તાત્કાલિક પ્રયાસો માટે તેમનો આભાર વ્યક્ત કર્યો.