(સિટી ટુડે) સુરત,તા.૨2
સુરતના વેસુ શ્યામ મંદિરથી મહેંદીપુર બાલાજી મંદિર સુધીની ‘જળ સંચય મહિલા પદયાત્રા’ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ કળશમાં જળ લઈ પદયાત્રામાં જોડાઈ . જલસંરક્ષણ માટે એકજૂથ થયેલી મહિલાઓને પાટીલે અભિનંદન પાઠવતા હતા. રમુજ કરતાં પાટીલે કહ્યું હતું કે, જળસંચય માટે મહિલાઓએ પોતાના પિયરનું ગામ દત્તક લેવાનો આગ્રહ રાખવો જોઈએ. મહિલાઓનું જ ઘરમાં ચાલે છે. મારા ઘરમાં મારું પણ નથી ચાલતું.
કાર્યક્રમમાં સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, જમીનના પેટાળમાં મોટી માત્રામાં પાણીના જથ્થાનો સંગ્રહ કરવાની તાકાત રહેલી છે. આ વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપીએ. જળસંચય માટે ‘કર્મભૂમિથી જન્મભૂમિ’ અભિયાનમાં જોડાઈને સુરતમાં રહેતા અન્ય રાજ્યના અગ્રણીઓને પોતાના વિસ્તારમાં વોટર હાર્વેસ્ટીંગની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનએ 2021માં ‘કેચ ધ રેઈન’ પ્રોજેક્ટની ઝુંબેશના રૂપમાં શરૂઆત કરી હતી, જે હવે સમગ્ર દેશમાં જનઆંદોલન બન્યું છે. રાજસ્થાનમાં ટેક્નોલોજી યુગમાં નાનીમોટી 11 નદીઓને જોડવા રિવર લિંકનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આવનાર સમયમાં રાજસ્થાનમાં 1.60 લાખ રિચાર્જ બોરવેલ બનાવવામાં આવશે. વધુમાં ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર પાણીના સંગ્રહ અને સદુપયોગમાં વિશેષ કાળજી રાખી રહી છે, ત્યારે જળસંચયની પ્રવૃતિને આંદોલન બનાવવું જરૂરી છે. જળસંચયની જવાબદારી જ્યારે સ્ત્રીશક્તિ સંભાળે છે, ત્યારે જલસંચયનો પ્રયાસ સમાજના મૂળ સુધી પહોંચે છે. ‘નારીશક્તિ જલસંચય યાત્રા’ તેનું ઉત્તમ ઉદાહરણ છે. બહેનોને અનુરોધ કરતા કહ્યું હતું કે, તમારા પિયરનું ગામ દત્તક લઈને જળસંચયમાં સહભાગી બનીએ.