વડોદરા, તા.૧૦
વડોદરાનાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ ફરી એકવાર ગુજરાતને શોકમગ્ન કરી મુક્યું છે. આ દુર્ઘટના બાદ સતત એક બાદ એક અપડેટ સામે આવી રહી છે. આ ઘટનામાં મૃત્યુઆંક ૧૭ પહોંચ્યો હતો. જે બાદમાં હવે સમાચાર સામે આવ્યા છે કે, વધુ દુર્ઘટના બાદ હવે ફાયર બ્રિગેડની ટીમને વધુ બે મૃતદેહ મળી આવ્યા છે. આજના દિવસમાં આ નદીમાંથી વધુ ૫ મૃતદેહ મળી આવ્યા છે.
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ૪૫ વર્ષ જૂનો ગંભીરાબ્રિજ ૯ જુલાઈના વહેલી સવારે ૭:૩૦ વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી ૩ ટ્રક, ૧ રિક્ષા, ૧ ઈકો, ૧ પિકઅપ ડાલું સાથે જ ૨-૩ બાઇક બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં. આ સાથે જ એક ટ્રક નીચે એક ફોર-વ્હીલર પણ દબાઈ હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં ૧૭ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૮થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા હતા. દુર્ઘટનાને ૩૩ કલાકથી વધુ સમય વીતવા છતાં પણ ગુમ ૩ લોકો ના મળતાં તેમનાં પરિવારજનોની હિંમત ખૂટી ગઈ છે. તેમણે નિસાસો નાખતાં કહ્યું હતું કે ‘ફાસ્ટ કામગીરી તો અમદાવાદમાં ચાલી હતી, રૂપાણીસાહેબ હતા ને! અહીં તો ગોકળગતિએ કામગીરી ચાલે છે’. આ સાથે જ આર્મી અને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવે એવી તેમણે કલેક્ટરને રજૂઆત કરી હતી. હાલ તો ગુમ થનારા લોકોનાં પરિવારજનો નદી કિનારે બેસીને પોતાનાં સ્વજનના કોઈ સમાચારની રાહ જોઈ રહ્યા છે. વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યાં હતાં. ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થઈ ત્યારથી જ મુખ્યમંત્રી દ્વારા માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીમાં માર્ગદર્શન અપાઈ રહ્યું હતું.
મુખ્યમંત્રીએ નિષ્ણાંતોની એક ટીમને આ દુર્ઘટનાગ્રસ્ત થયેલા મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી મરામત, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.
