(સિટી ટુડે) સુરત, તા.10
સુરતના સૈયદપુરામાં રવિવારે રાત્રે રિક્ષામાં આવી છ કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. પોલીસે 32 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસે જે 6 કિશોરને પકડ્યા છે એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદરેસામાં જાય છે. તેમજ તે 6 સપ્ટમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીનાં પાઉચ ફેંકીને ભાગી ગયો હતો. 7મીએ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં નિષ્ફળ ગયો હતો. જો કે 8 સપ્ટેમ્બરની રાત્રે પથ્થર ફેંકવાના ષડ્યંત્રને અંજામ આપી દીધો હતો. 6 કિશોર સિવાયના તમામ 26 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી લઈ જઈ લોઅર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા . પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. બન્ને પક્ષ વચ્ચે અઢી કલાક દલીલો થઈ હતી. ત્યાર બાદ કોર્ટે 23 આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે 4 આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
આરોપીઓ તરફથી વકીલ જાવેદ મુલતાનીએ કોર્ટમાં દલીલ કરતી વખતે જણાવ્યું હતું કે,
આરોપીઓ તરફથી વકીલ જાવેદ મુલતાનીએ કોર્ટમાં દલીલ કરતી વખતે જણાવ્યું હતું કે, અનેક એવા વીડિયો છે જે અત્યાર સુધી સામે આવ્યા નથી અને આ વીડિયો સામે આવવું જરૂરી છે. તેનાથી અન્ય આરોપી અંગે પણ જાણકારી મળશે. જોકે, આ ઘટના સમયે ભાજપના ધારાસભ્ય કાંતિ બ્લલર, મેયર દક્ષેશ માવાણીએ ઘટના સ્થળે જ્યારે ત્યાર બાદ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ હેટ સ્પીચ આપીને માહોલ બગાડવાના કાર્ય કર્યો છે. આરોપીઓને 24 કલાકથી વધુ સમય માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યા. હથિયાર જપ્ત કરવામાં આવ્યા તેમ છતાં તેના આધારે રિમાન્ડની માંગણી કરાઇ.
રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ શહેર પોલીસ એલર્ટ
શહેરના જુદા જુદા પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ચાંપતી નજર છે. ખટોદરા, અઠવા, સલાબતપુરા, લાલગેટ, લીંબાયત પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમ થકી ગેરપ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવા આવી રહી છે. સંવેદનશીલ તથા કોમ્યુનલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આઝાદ નગર, રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગર, નાનપુરા કાદર શાહ નાલ, રુસ્તમપૂરા, સૈયદપૂરા, ચૌક, મહિધરપુરામાં ડ્રોન ઉડાવવામાં આવ્યું છે. ઝુપડપટ્ટી વિસ્તાર તથા ધાબા પર ચેકિંગ ચાલુ છે. ફૂટ પેટ્રોલિંગ કરી સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સતત ત્રીજા દિવસ સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.