અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભરત કાનાબારે ટ્વીટ કરી સરકારને આડે હાથ લીઘી, નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટરને દંડ થાય પણ મસમોટા પગાર લેતા એન્જીનિયરો કેમ કોઇ દંડ થતો નથી
(સિટી ટુડે) અમદાવાદ, તા.૨૮
ગુજરાતમાં અત્યારે ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. ગામ બેટમાં ફેરવાયા છે. શહેરોમાં સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. લોકોની ઘરવખરીને નુકશાન પહોંચ્યું છે. આ બધા વચ્ચે હવે તંત્ર અને સરકારની કામગીરીની પણ પોળ ખુલી ગઈ છે. બે જિલ્લાઓને જાેડતા હાઇવે હોય કે પછી બ્રિજ હોય કે ગામ-શહેરના રસ્તાઓ હોય, દરેકનું મોટા પાયે ધોવાણ થયું છે. આમ તો ધોવાણ રસ્તાઓનું નહિ પરંતુ જનતાના પૈસાનું થયું છે. ત્યારે આ સમગ્ર મામલે તંત્ર પર પ્રહાર કરતા ભાજપના જ એક નેતાનું ટ્વીટ સામે આવ્યું છે. ડો.ભરત કાનાબારે આજે આકરા શબ્દોમાં તંત્રની કામગીરીની ટીકા કરી છે.
અમરેલીમાં પણ વરસાદના કારણે ડેમો ઓવરફ્લો થયા છે. ઘણી જગ્યાએ રસ્તા તૂટી ગયા છે. ત્યારે તંત્રની આ નબળી કામગીરીને લઈને અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. ભરત કાનાબારે ટ્વીટ કર્યું છે. અને તંત્રને આડેહાથ લીધા છે અને આકરી ઝાટકણી કાઢી છે.
ડો.ભરત કાનાબારે ટ્વીટમાં લખ્યું છે કે, નવા બનેલા રસ્તાઓ પર ટૂંકા સમયમાં ખાડા અને ભુવા પડે છે ત્યારે માત્ર રસ્તાઓ જ નથી તૂટતાં, લોકોનો તંત્ર પરનો ભરોસો તૂટે છે. નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટરને દંડ થાય એ તો સમજ્યા પણ આવા કામ પર જેમની સુપરવિઝન કરવાની જવાબદારી છે એવા મસમોટા પગાર લેતા એન્જીનિયરો અને અન્ય કર્મચારીઓને કેમ કોઇ દંડ થતો નથી. તેમણે વેધક સવાલ કર્યો છે કે એમને સરકાર પગાર શેનો આપે છે.