સુરત,તા.૧૩
ચોમાસા દરમિયાન શહેરમાં અનેક રસ્તાઓ બિસ્માર થયાં હતા તેના કારણે સુરતીઓને ભારે હેરાનગતિ થઈ હતી. રસ્તા પર પડેલા ખાડા પર શાસકો- મ્યુનિ. કમિશનર ફોટા મુકી વિરોધ પક્ષે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે બાદ ગુરૂવારે વિરોધ પક્ષે છેલ્લા ત્રણ વર્ષમાં રસ્તાની કામગીરી પાછળ ૨૫૦ કરોડનો ખર્ચ થયો છે તેવા આંકડા જાહેર કરીને રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાના આક્ષેપ કર્યા હતા.
સુરત શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન રસ્તાની હાલત કફોડી થઈ જાય છે અને આ રસ્તાના કારણે સુરતીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે આજે પાલિકાના વિરોધ પક્ષના ઉપનેતા રસ્તાની કામગીરી અંગે માહિતી આપતા કહ્યું હતું કે ત્રણ વર્ષ દરમિયાન પાલિકાએ વર્ગ ૩ અને ૪ તેમજ સુપરવિઝન સ્ટાફના પગાર પાછળ અંદાજે ૧૨ કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત મશીનરીઓ ઉપયોગમાં લેવાય છે તેની પાછળ અંદાજે ૧૪.૭૯ કરોડ, રોડ રસ્તા મરામતમાં જે મટિરિયલ વપરાય છે તેની પાછળ અંદાજે ૪૬.૪૦ કરોડ તેમજ રોડ રસ્તા મરામત કરનારી વિવિધ એજન્સીઓને ૨૬.૮૦ કરોડ જેટલી માતબર રકમની ચુકવણી પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. કુલ મળીને પાછલા ત્રણ વર્ષના આ બધા આંકડા જાેવા જઈએ તો ૨૫૦ કરોડ જેટલો થવા જઈ રહ્યો છે જેમાં પણ ગત વર્ષે પાલિકાએ ૯૮ કરોડ જેટલો ખર્ચ રસ્તા રીપેરીંગ પાછળ કર્યો હતો. જેમાં પાલિકા દ્વારા ૫૩૩૧ ચો. મી.રોડ રીપેરીંગ કરવામાં આવ્યાં હતાં.
મતલબ કે એક ખોડો એક ચો.મી.નો ગણીએ તો ૧,૮૪,૦૦૦ રૂપિયા નો અંદાજિત ખર્ચ ફક્ત ને ફક્ત એક ખાડા રીપેર કરવા પાછળ થયો છે. રસ્તાના ખાડા પુરવા પાછળ કરોડોનું આપણ થાય છે તો પણ આજે રોડ રસ્તાની હાલત ખરાબ જ છે, તો આ રૂપિયા ક્યાં જતા હશે તે સૌથી મોટો સવાલ છે. તેમ કરીને વિપક્ષના ઉપનેતા મહેશ અણઘડે શાસકો અને તંત્ર સામે આક્ષેપ કર્યા હતા.