ઓટાવા, તા.૧૮
કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીઝ અને સિટીઝનશિપ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્ચ અને એપ્રિલ ૨૦૨૪માં જાહેર કરાયેલા ડેટા અનુસાર, લગભગ ૫૦,૦૦૦ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને “નો-શો” જાહેર કરવામાં આવ્યાં હતાં, જેમાંથી ૨૦,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ હતા. આ સંખ્યા કેનેડામાં અભ્યાસ કરવા ગયેલા કુલ ભારતીય વિદ્યાર્થીઓના ૫.૪ ટકા છે. અહીં “નો-શો” એ એવા વિદ્યાર્થીઓનો ઉલ્લેખ કરે છે જેમણે કેનેડિયન કોલેજાે અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે નોંધણી તો કરાવી હતી પરંતુ નિર્ધારિત સમયે વર્ગાેમાં હાજરી આપી ન હતી. બીજા શબ્દોમાં કહીએ તો, આ વિદ્યાર્થીઓ તેમની સ્ટડી પરમિટ મુજબ અભ્યાસ શરૂ કરવા માટે નિયુક્ત સંસ્થાઓમાં પહોંચ્યા ન હતા.એકંદરે, ૬.૯ ટકા સ્ટડી પરમિટ ધારકો પોતપોતાની કોલેજાેમાં પહોંચ્યા ન હતા. આ ડેટા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પાલન પ્રણાલી હેઠળ એકત્રિત કરવામાં આવ્યો હતો, જેમાં શૈક્ષણિક સંસ્થાઓને દર વર્ષે બે વાર નોંધણીની જાણ કરવી જરૂરી હોય છે.અહેવાલો દર્શાવે છે કે ૧૪૪ દેશોના વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવી હતી, અને તેઓએ શાળા-કોલેજાેમાં હાજરી નહીં આપી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ઉદાહરણ તરીકે, ફિલિપાઇન્સના ૬૮૮ વિદ્યાર્થીઓ (૨.૨ ટકા) અને ચીનના ૪,૨૭૯ (૬.૪ ટકા) વિદ્યાર્થીઓએ તેમને ફાળવવામાં આવેલી શાળા-કોલેજાેમાં હાજરી આપી ન હતી. તેનાથી વિપરીત, ઈરાન (૧૧.૬ ટકા) અને રવાન્ડા (૪૮.૧ ટકા) માં નોન-રિપોર્ટિંગ દર ખૂબ જ ઊંચો હતો.આટલી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓનો “નો-શો” માત્ર કેનેડિયન શિક્ષણ પ્રણાલી માટે જ નહીં પરંતુ ભારતીય વિદ્યાર્થીઓની છબી માટે પણ ચિંતાનો વિષય છે. નિષ્ણાતો માને છે કે આના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે ખોટી માહિતીના આધારે પ્રવેશ લેવો, નાણાકીય પડકારો, અથવા અન્ય કારણોસર અભ્યાસ ચાલુ ન રાખી શકવો. કેનેડાના સત્તાવાળાઓએ આ બાબતે પગલાં લીધા છે અને શૈક્ષણિક સંસ્થાઓને નિયમિત રિપોર્ટિંગ વધારવા અને અભ્યાસ પરમિટ ધારકોની ચકાસણી કડક બનાવવાની જરૂર હોવાનું જણાવ્યું છે.