સુરત, તા.૦૭
સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડયો છે. ૫ ફેબ્રુઆરીએ સાંજના ૫ વાગ્યે વરસાદી ગટરમાં પડેલા બાળકનો ૨૪ કલાક બાદ દોઢ કિલોમીટર દુર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવાતા પરિવારે કસુરવાર અધિકારીઓ સામે ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. પરિવાર અને સમાજની આજીજી બાદ આક્રોશ સાથે ધરણા પર બેસતા આખરે અમરોલી પોલીસે પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી-કર્મચારી વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. ઘટનાના ૪૦ કલાકથી વધુ સમય થયો હોવા છતાં કોર્પોરેશન અને પોલીસ તંત્ર ઘટનામાં જવાબદાર કોણ? તે નક્કી કરી શક્યું નથી. અત્યાર સુધીમાં મ્યુ. કમિશનર દ્વારા ચાર અધિકારીને માત્ર શો કોઝ નોટિસ અપાઈ છે. સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, વરિયાવ ખાતે બે વર્ષના બાળક મોત મામલે પાલિકા કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પાલિકાના ચાર અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. પાલિકા ઝોનના કાર્યપાલક ઈજનેર તેજસ પટેલને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. ઘટનાસ્થળે કાર્યપાલક ઈજનેર તેજસ પટેલ તાપણું કરતા નજરે પડ્યા હતા. પેનલ પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં ડૂબી જવાથી અને શ્વાસ રૂંધાવાના કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ વિસેરાના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. ડ્રેનેજ લાઈનમાં હોવાથી અન્ય કોઈ કારણ હોઈ શકે તો તેનો સેમ્પલના રિપોર્ટ બાદ જાણવા મળશે. હાલ તો પ્રાથમિક ડૂબી જવા અને શ્વાસ રૂંધાવાથી મોત થયું છે.
પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત ૫ ફેબ્રુઆરીના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યે હું કતારગામ ખાતે મારી કડીયાકામની મજૂરી કરવા ગયો હતો. ત્યારે મારી પત્ની (વૈશાલીબેન)નો મારા મોબાઈલમાં ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, હેવન એન્કલેવની બાજુમાં બુધવારી ભરાતી માર્કેટ આગળ આપણો કેદાર ગટરમાં પડી ગયો છે. જેથી હું તરત જ કામ પરથી નીકળી ગયો અને આશરે પોણા છએક વાગ્યે હું હેવન એન્કલેવ પહોંચ્યો હતો. આ સમયે ત્યાં ફાયર બ્રિગેડના માણસો અને મારી પત્ની, મારી બહેન નીલાબેન દિનેશભાઈ જાેગીયા સહિતના હાજર હતા અને માણસોનું ટોળું ભેગુ થઈ ગયું હતુ. કેદારને ૧૦૮ના ડૉકટરએ મૃત જાહેર કર્યો હતો. મારા દીકરાનું મૃત્યું આ ગટર વિભાગની દેખરેખ રાખતા અધિકારી-કર્મચારીની બેદરકારીની લીધે ગટરનું ઢાંકણ ખુલ્લું રાખવાથી તેમાં મારો દીકરો પડી જવાથી મૃત્યુ થયું છે. જેથી મારી આ ગટર વિભાગના દેખરેખ રાખતા અધિકારી-કર્મચારી વિરુદ્ધ કાયદેસર થવા ફરિયાદ નોંધાવી છે.
તેમજ આ ઘટના બાદ મને જાણવા મળ્યું હતું કે, સ્થાનિકોએ આ ગટરનું ઢાંકણ બંધ કરવા માટે ફરિયાદ કરી હતી, પરંતુ અધિકારીઓ બેદરકારી દાખવી ઢાંકણ બંધ કરવા આવ્યા નહીં. આ ગટરમાં પડવાથી કોઈ મૃત્યુ થઈ શકે તેવું જાણવા છતા ગટર બંધ કરી નથી. પિતાની ફરિયાદ આધારે અમરોલી પોલીસ દ્વારા સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
