ગાંધીનગર, તા.૨૦
વિધાનસભા સત્રનો આજે બીજાે દિવસ હોત. ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈ ૨૦ ફેબ્રુઆરીના રોજ એટલે આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ કર્યુ છે. આજે નાણામંત્રી કનુ દેસાઇએ સતત ચોથી વખત બજેટ રજૂ કર્યુ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે માટે ૩,૭૦,૨૫૦.૩૫ કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. આ સાથે પાછલા વર્ષની સરખામણીમાં ૩૭,૭૮૫ કરોડ જેટલું વધારે છે. બજેટના પ્રારંભમાં તેમણે જણાવ્યુ છે કે, વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાના પ્રણેતા અને આર્ત્મનિભર ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા ગુજરાતના પનોતાપુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વાર ભારતનું સુકાન સંભાળવા બદલ માનનીય મુખ્યમંત્રી અને ગુજરાતની સમગ્ર જનતા વતી હું અભિનંદન પાઠવું છું. આ સાથે તેમણે વડાપ્રધાનના વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને સાકાર કરવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર વિકસિત ગુજરાત ૨૦૪૭ની પરિકલ્પનાને સિદ્ધ કરવા કટિબદ્ધ છે. આ સાથે તેમણે મહિલા, ખેડૂત, યુવાન, ગરીબ, શ્રમિક તથા અન્ય અનેક ક્ષેત્રો અંગે મહત્ત્વની જાહેરાત કરી છે.
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભા ગૃહમાં રાજ્યનું વર્ષ ૨૦૨૫-૨૬નું બજેટ રજૂ કર્યું છે. રૂ.૩.૭૦ લાખ કરોડનું બજેટ રાજ્યની જનતા માટે અનેક યોજનાઓ અને લાભ લઈને આવ્યું છે. નાણામંત્રીએ મધ્યમવર્ગ, ખેડૂત, વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓ અને બેરોજગાર યુવાવર્ગને ભેટ આપી છે. નાણામંત્રીએ બજેટ રજૂ કરતા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. જેમાં ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજનાનો અમલ, ૯૭ ટકા ગામોમાં દિવસે વીજળી મળી રહી છે, યોજનાને વધુ સુદ્રઢ કરવા માટે ૨૧૭૫ કરોડ રૂપિયાની જાેગવાઈ કરાઈ છે. કનુભાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદના સભર “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-૨૦૨૪થી શરૂઆત કરવામાં આવેલ હોય જેમાં ૩૨,૨૭૭ શાળાઓના ૪૧ લાખ વિદ્યાર્થીઓને લાભ મળતા હોય જેના માટે આ બજેટમાં કુલ ૬૧૭ કરોડ રૂપિયાની જાેગવાઇ કરી છે.
બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે ર્નિણય કર્યો છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે ૨૭૪ કરોડ રૂપિયાની જાેગવાઇ કરાઈ છે.
શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ ૨૯૦ કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે ૨૦૦ કરોડ રૂપિયાની જાેગવાઇ કરવામાં આવી છે.
