સ્વીડન, તા.૩૦
સ્વીડનમાં મસ્જિદની સામે કુરાન સળગાવનાર પ્રદર્શનકારી સલવાન મોમિકાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. સલવાને ૨૦૨૩માં કુરાનની પ્રત સળગાવી હતી, જે બાદ ઘણાં મુસ્લિમ દેશોએ તેની ટીકા કરી હતી. રિપોર્ટ અનુસાર હુમલાખોરે સ્ટોકહોમમાં મોમિકાના ઘરમાં ઘૂસીને તેને ગોળી મારી દીધી. હુમલાના સમયે તે ટિકટોક પર લાઈવ હતો.
ઈરાકના મૂળના ખ્રિસ્તી સલવાન મોમિકાને ઈસ્લામના વિરોધમાં કુરાન સળગાવવાના મામલે ગુરુવારે કોર્ટની સમક્ષ રજૂ થવાનું હતું પરંતુ તેના મોતના સમાચાર બાદ સ્ટોકહોમ કોર્ટે સુનાવણી સ્થગતિ કરી દીધી. સ્વીડનની કોર્ટમાં મોમિકા અને એક અન્ય શખ્સ સલવાન નજીમ પર એક વિશેષ ધર્મ વિરુદ્ધ નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. પ્રોસિક્યૂટર્સે કહ્યું કે બે લોકોએ સ્ટોકહોમની મસ્જિદની બહાર કુરાન સળગાવી અને મુસ્લિમ ધર્મ વિશે વાંધાજનક ટિપ્પણી કરી. સલવાન મોમિકાએ કહ્યું હતું કે હું ઈસ્લામ વિરુદ્ધ પ્રદર્શન કરવા ઈચ્છતો હતો અને મે કુરાન સળગાવવાની પરવાનગી આપવાની માગ કરી હતી. તે બાદ સ્વીડન પોલીસે એક દિવસ માટે મને ઈસ્લામ વિરુદ્ધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી હતી. ૨૦૨૩માં કુરાન સળગાવવાની મંજૂરી મળ્યા બાદ મોમિકાએ કહ્યું હતું કે અમે કુરાનની પ્રત સળગાવવા જઈ રહ્યાં છીએ. અમે કહેવા માગીએ છીએ કે સ્વીડન હજુ પણ સમય છે, જાગો. આ લોકતંત્ર છે. અમે મુસ્લિમો વિરુદ્ધ નથી પરંતુ અમે તેમના વિચારો અને માન્યતાઓ વિરુદ્ધ છીએ. મુસ્લિમ ધર્મની ખૂબ નકારાત્મક અસર પડી છે અને તેને વિશ્વભરમાં બેન કરવો જાેઈએ.
