સુરત, તા.૧૭
અમદાવાદના મેસર્સ ધ્રુવી એન્ટરપ્રાઇઝ અને અન્ય પેઢી સામે દાખલ કરવામાં આવેલા મની લોન્ડરીંગ કેસમાં આજે ઇડીએ સુરત સહિત અમદાવાદ, ભાવનગર, જુનાગઢ, વેરાવળ અને રાજકોટ, કોડીનાર મળી કુલ ૨૩ સ્થળોએ તપાસ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં દાખલ થયેલા મામલામાં ઇડીને જાણવા મળ્યું હતું કે એક ગ્રુપ દ્વારા ૨૦૦થી વધુ સેલ કંપનીઓ ઉભી કરવામાં આવી છે અને કોઇપણ પ્રકારના ખરીદ વેચાણ વગર બીલો બનાવીને સરકાર પાસેથી ઇનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવામાં આવી હતી.
કરોડો રૂપીયાના આ ટેક્ષ ક્રેડીટ કૌભાંડનો રેલો છેક સુરત સુધી પહોંચ્યો છે ત્યારે આજે પણ સુરતમાં ઇડીના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. કહેવાય છે કે, ૧૮૬ જીએસટી રજીસ્ટ્રેશન પૈકી ગુજરાતમાં ૫૦ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. જાેકે પ્રાથમિક ૩૬ રજીસ્ટ્રેશનની સાથે તમામ ૧૮૬ રજીસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યા છે. આખા પ્રકરણમાં ઇડીને સંગઠીત અપરાધની ગંધ આવતા આજે સુરત સહિત સમગ્ર રાજ્યમાં અનેક ઠેકાણાઓ ઉપર ઇડીની તપાસનો ધમધમાટ શરૂ થયો છે.